વિરાસતથી વિકાસ લોકમેળાની મંત્રી કુવરજીભાઈઍ મુલાકાત લીધી સખી મંડળની બહેનોએ માત્ર ૨ જ દિવસમાં રૂ. ૨૨ લાખથી વધુનું વેચાણ કર્યું
લોકમેળામાંની આવક લોકસેવાના કાર્યો માટે શ્રાવણ ઉત્સવ, સ્વદેશી હાટ અને ગરવી ગુર્જરીના સ્ટોલ્સની મુલાકાત લઈ સખી મંડળની બહેનો અને સ્ટોલધારકો સાથે સંવાદ
કૅબીનૅટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રાજકોટના વિરાસતથી વિકાસ લોકમેળાની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન મેળાગ્રાઉન્ડ ખાતે વિશેષ રૂપે આયોજિત શ્રાવણ ઉત્સવ-૨૦૨૬, સ્વદેશી હાટ અને ગરવી ગુર્જરીની મુલાકાત લીધી હતી. આ તકે તેમણે પ્રદર્શન-સહ-વેચાણ સ્ટોલ્સ પર ઉપસ્થિત સખીમંડળની બહેનો અને સ્ટોલધારકો સાથે સંવાદ સાધ્યો હતો જન્માષ્ટમીના પાવન પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આ મેળો લાખોની સંખ્યામાં આવતા નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. મેળામાં જનતાના મનોરંજન અને સુવિધા માટે સ્ટોલ્સ તથા નાની-મોટી રાઈડ્સ ગોઠવવામાં આવી છે. લોકો કોઈપણ મુશ્કેલી વિના મેળાની મજા માણી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સુદ્રઢ સંકલનથી પીવાના પાણી, પ્રાથમિક સુવિધાઓ તેમજ આરોગ્ય વિષયક સુચારુ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે મંત્રી કુંવરજીભાઈ એ ઉમેર્યું હતું કે, ગ્રામ વિકાસ વિભાગ હેઠળ સખી મંડળોને સ્વનિર્ભર બનાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલી વિવિધ હાથબનાવટની વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ માટે ૪૬ જેટલા સ્ટોલ્સ ફાળવવામાં આવ્યા છે. માત્ર શરૂઆતના બે જ દિવસમાં આ બહેનોએ રૂ.૨૨ લાખથી પણ વધુ રકમનું વેચાણ કરીને પોતાની મહેનતનું યોગ્ય વળતર મેળવ્યું છે, જે મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. લોકમેળામાંથી પ્રાપ્ત થતી આવક કોઈ નફાના હેતુ માટે નહીં પરંતુ પૂર્ણતઃ લોકસેવાના કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેમ ઉમેરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ આવકમાંથી રાજકોટના ઈશ્વરિયા પાર્ક, શાસ્ત્રી મેદાન તેમજ અન્ય જાહેર સ્થળોએ નાગરિકો માટે સાર્વજનિક સુવિધાઓનો વિકાસ કરવામાં આવે છે. ઉપરાંત, જરૂરિયાત મુજબ આ રકમમાંથી મુખ્યમંત્રી રાહત નિધિમાં પણ યોગદાન આપવામાં આવે છે.