જસદણના સાણથલી પાંચવડા અને પારેવાળા ખાતે રૂ 30 લાખના ખર્ચે નિર્મિત આંગણવાડીનું મંત્રી કુંવરજીભાઈના હસ્તે લોકાર્પણ કરાયું
નવનિર્મિત આંગણવાડીઓ ગ્રામ્યસ્તરે માળખાકીય સુવિધાઓ વધુ સશક્ત બનાવવા બાળકોના પ્રારંભિક શિક્ષણ અને પોષણ સેવાઓનું માળખું મજબૂત બનશૅ
ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા અને બાળ કલ્યાણને લગતી સુવિધાઓ વધુ સુદૃઢ બને તેમજ નાના બાળકોને ગુણવત્તાસભર પ્રારંભિક શિક્ષણ અને પોષણ સેવાઓ માટે યોગ્ય માળખાકીય સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદહસ્તે સાણથલી પાંચવડા અને પારેવાળા ગામ ખાતે નવી આંગણવાડીના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રો માત્ર પ્રારંભિક બાળશિક્ષણના પૂરતા મર્યાદિત નથી, પરંતુ માતા અને બાળકના પોષણ, આરોગ્ય જાગૃતિ તથા સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગ્રામ્ય માળખાગત સુવિધાઓને વધુ સશક્ત બનાવવા રાજ્ય સરકાર કટીબધ્ધ છે. નવી અને સુવિધાસભર ઇમારતના નિર્માણથી ગામના નાના બાળકોને વધુ અનુકૂળ અને સુરક્ષિત વાતાવરણ મળશે તેમજ આંગણવાડીની વિવિધ સેવાઓના અસરકારક અમલીકરણમાં પણ મદદ મળશે. નવી આંગણવાડી ઇમારત તૈયાર થતાં ગામના બાળકો, મહિલાઓ અને આંગણવાડી સેવાઓના લાભાર્થીઓને વધુ સારી અને ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ બનશે દરેક આંગણવાડી દીઠ અંદાજે રૂ. ૧૦ લાખની જોગવાઈ કરવામાં આવી હતી. આંગણવાડીના નવા મકાનમાં બાળકો અને લાભાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુવિધાસભર વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. મકાનમાં એક રૂમ, રસોડું, સ્ટોરરૂમ અને શૌચાલય સહિતની જરૂરી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત મકાનમાં ઇલેક્ટ્રિકલ કામગીરી તેમજ પરિસરની સુરક્ષા અને સુવ્યવસ્થિત વિકાસ માટે કમ્પાઉન્ડ વોલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે આ પ્રસંગે ગામના સરપંચશ્રીઓ આઈ.સી.ડી.એસ અને આંગણવાડીના કાર્યકર્તા બહેનો, બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.