error: This Content is protected !!

વિંછીયાના અમરાપુર હિંગોળગઢ લાલાવદર ખડકાણા ભૉયરાના ખેડૂતોને મોટી રાહત ખાનગી જમીનના ૭/૧૨માંથી ઈકો-ઝોનની નોંધ દૂર કરાશે વનસ્પતિ વન્ય જીવોને રક્ષણ મળશે

મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં ઈકો-સેન્સિટિવ ઝોનના મુદ્દે ગ્રામજનો સાથે બેઠક બિન ખેતી કુવા બાંધકામો હૉટલૉ રિસોર્ટ માટૅ ખૅતીની જમીનમાં મંજૂરી સરળ બનશે

 

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં અને નાયબ વન સંરક્ષક સુનિલકુમાર બેરવાની ઉપસ્થિતિમાં ઈકો સેન્સિટીવ ઝોનના ગ્રામજનો સાથે બેઠક યોજાઈ હતી.

વિંછીયા તાલુકાના હિંગોળગઢ, લાલાવદર, ખડકાણા, અમરાપુર, ગુંદાળા (જસ) અને ભોંયરા ગામોનો ઈકો-સેન્સિટીવ ઝોન વિસ્તારમાં સમાવેશ થયો છે, તેને દુર કરવા અંગે તથા આ ઈકો-સેન્સિટીવ ઝોનમાં સમાવેશ થવાથી આ વિસ્તારના ખેડૂતો-સ્થાનિકોને ખેતીની જમીનને બિન-ખેતી (NA) કરાવવામાં, બાંધકામ, કુવો ખોદવા અથવા ફેન્સિંગ કરવા માટે, બાંધકામો, હોટલો, રિસોર્ટ કે નાના ઉદ્યોગો સ્થાપવા પર પ્રતિબંધ આવી જાય છે, જેથી સ્થાનિક રોજગારી અટકી જવાની ચિંતા રહે છે તેમજ અન્ય વ્યવસાયિક હેતુ માટે વાપરવામાં મોટી કાનૂની અડચણો આવે છે તેવી ગ્રામજનોએ રજુઆત કરી હતી. કૃષિ માટે ટ્રેક્ટર , કુવો ખોદવા માટે જેસીબીના ઉપયોગ માટે ના-વાંધા સર્ટીફિકેટ અથવા મંજુરી નિયત સમય મર્યાદામાં મળી જાય તે માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે, જેથી ગ્રામજનોને રોજીંદી પ્રવૃત્તિઓમાં અડચણ ના આવે. હિંગોળગઢ ગઢ અભયારણ્ય ફરતી જરૂર હોય ત્યાં દીવાલો પૂર્ણ કરવામાં આવશે. રસ્તો નીચે ઉતારવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે તેમજ ઇકો ઝોનમાં આવતા ખાનગી સર્વે નંબરોમાં ઈકો-સેન્સિટીવ ઝોનના જાહેરનામાની નોંધ કરવામાં આવી હતી જે અન્વયે વન વિભાગની સૂચના અનુસાર નોંધ દાખલ કરવાની રહેતી ના હોય તે નોંધ 7/12 ના ઉતારામાંથી દૂર કરવામાં આવશે. ગ્રામજનોની રજુઆતોને ઘ્યાને રાખીને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે.આ બેઠકમાં પ્રાંત અધિકારી રાહુલ ખાંભરા, મદદનીશ વન સંરક્ષક નરેન્દ્રસિંહ ગઢવી અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે કે આંબલીયા સહિત વિવિધ ગ્રામ પંચાયત સરપંચઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

 

 

 

ઇકો સેન્સિટીવ ઝોન શું છે ?

 

ઈકો સેન્સિટીવ ઝોન (Eco-Sensitive Zone - ESZ) એ વન્યજીવ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસના સુરક્ષિત વિસ્તારો છે. રાજકોટ જિલ્લામાં વિંછીયા તાલુકો વર્ષ 2016 થી ઈકો સેન્સિટીવ ઝોન (ESZ) જાહેર કરવામાં આવ્યો છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આ વિસ્તારોને 'બફર ઝોન' તરીકે જાહેર કરવામાં આવે છે, જેથી મુખ્ય સુરક્ષિત વિસ્તાર અને તેની બહારની માનવ પ્રવૃત્તિઓ વચ્ચે (Shock Absorber) તરીકે કામ કરી શકાય. સામાન્ય રીતે આ ઝોન સુરક્ષિત વિસ્તારની આસપાસ 10 કિલોમીટર સુધીનો હોઈ શકે છે.આ વિસ્તારો જાહેર કરવાનો મુખ્ય હેતુ પર્યાવરણનું સંતુલન જાળવવાનો અને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવાનો છે. 

ઈકો-સેન્સિટીવ ઝોનમાં ખાણકામ (Mining), મોટા ઉદ્યોગો, મોટું પ્રદૂષણ ફેલાવતા પ્લાન્ટ્સ સંપૂર્ણ પ્રતિબંધિત છે.

હોટેલ-રિસોર્ટનું બાંધકામ, મોટા વૃક્ષો કાપવા, વ્યવસાયિક હેતુ માટે પાણીનો ઉપયોગ નિયંત્રિત છે.

ઓર્ગેનિક ખેતી (જૈવિક ખેતી), વરસાદી પાણીનો સંગ્રહ, સ્થાનિકો દ્વારા પરંપરાગત કૃષિ વ્યવસ્થાઓ મંજૂર કરેલી / પ્રોત્સાહિત છે.

 ઈકો સેન્સિટીવ ઝોન જૈવ વિવિધતાનું સંરક્ષણ કરે છે. લુપ્ત થતી વનસ્પતિઓ અને પ્રાણીઓના કુદરતી રહેઠાણને સુરક્ષિત રાખે છે, જેનાથી જૈવવિવિધતાનો નાશ થતો અટકે છે.