કોટડાસાંગાણીના અરડોઈ ગામે સામુ જોવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી સરપંચ સહિત ચાર ઘાયલ સામ સામે ફરિયાદ પોલીસે તપાસ આદરી
સરપંચના પુત્રને હાથ અડી જતા યુવાન પર લાકડીથી હુમલો જ્ઞાતિ અંગે અપમાનિત કર્યો સામાપક્ષે સામુ નહીં જોવાનું કહી સરપંચ, પુત્ર સહિતનાને મારમાર્યો આઠ શખ્સો સામે ગુનો નોંધાયો
કોટડા સાંગાણીના અરડોઇ ગામે સામુ જોવા મામલે મારમારીની ઘટના બની હતી. જેમાં ગામના સરપંચ તેના પુત્રો સહિત ચારને ઈજા પહોંચી હતી. આ અંગે સામસામી ફરિયાદના આધારે પોલીસે આઠ શખ્સો સામે ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે કોટડાસાંગાણીના અરડોઈ ગામે રહેતા રમેશભાઈ મેઘજીભાઈ પરમાર (ઉ.વ.૪૪) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગામના સરપંચ નરસિંહ ખોડાભાઈ ગજેરા, પ્રશાંત ઉર્ફે ભૂરો નરસીભાઈ ગજેરા, દિવ્યેશ નરસીભાઈ ગજેરા અને રસીલાબેન નરસીભાઈ ગજેરાના નામ આપી જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના સાડા નવ વાગ્યા આસપાસ તે ગામના બસ સ્ટેન્ડ પાસે કાળુભાઈ ભરવાડની પાનની દુકાને માવો ખાવા માટે ગયો હતો., દરમિયાન સરપંચનો પુત્ર પ્રશાંત ઉર્ફે ભુરાને હાથ અડી જતા તે ગાળો આપવા લાગી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહ્યા હતા.જેથી યુવાને આવું ન બોલવાનું કહેતા ઉશ્કેરાય કોઈને ફોન કરતા થોડીવારમાં ત્યાં સરપંચ નરસી ગજેરા, દિવ્યેશ અને તેની પત્ની રસીલા લાકડી લઈ બધા ઘસી આવ્યા હતા, તે લાકડી પ્રશાંતએ લઈ પિતા-પુત્રોએ મળી લાકડી વડે યુવાનને માર માર્યો હતો. રસીલાબેને યુવાનને પાટુ માર્યું હતું. દરમિયાન લોકો એકત્ર થઈ જતા યુવાનને વધુ મારમાંથી બચાવ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સામાપક્ષે સરપંચ નરસીભાઈ ખોડાભાઈ ગજેરા (ઉ.વ. ૬૦) દ્વારા નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રમેશ મેઘજી પરમાર, પ્રિન્સ રમેશ પરમાર, અનિલ નાથા મકવાણા અને અનિલ નાનજી રાઠોડના નામ આપી જણાવ્યું હતું કે, રાત્રિના નવ વાગ્યા આસપાસ તે ઘરે હતા ત્યારે તેમને ગામના અજયભાઈ ધ્રાંગીયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મારી દુકાન પાસે રમેશ પરમાર તમારા પુત્ર ભૂરાને મારે છે.
જેથી સરપંચ તથા તેમના પત્ની રસીલાબેન ઘરેથી ગામના પાદરમાં આવેલ અજયભાઈની દુકાને ગયા હતા જ્યાં ફરિયાદીનો પુત્ર પ્રશાંત ઉર્ફે ભુરો ઊભો હોય તેની પાસે જઈ શું થયું તેને પૂછતા રમેશે દુકાન પાસે પડેલ પ્લાસ્ટિકનું સોડા મૂકવાનું ગાલુ મારી દીધું હતું અને ગાળો આપવા લાગ્યો હતો. દરમિયાન રમેશનો પુત્ર પ્રિન્સ આવી ગયો હતો અને તે પણ ઝપાઝપી કરવા લાગ્યો હતો બાદમાં અનિલ મકવાણા અને અનિલ રાઠોડ પણ આવી ગયા હતા અને ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.
દરમિયાન સરપંચનો પુત્ર દિવ્યેશ છોડાવવા માટે વચ્ચે આવતા ચારેય
શખસોએ દિવ્યેશને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. અહીં એકત્ર થયેલા લોકોએ વચ્ચે પડી પિતા- પુત્રોને વધુ મારમાંથી બચાવ્યા હતા. રમેશે કહ્યું હતું કે મારી સામે નજર નીચે રાખવાની નહીં તો પૂરા કરી નાખીશ. બાદમાં નરસીભાઇએ પુત્ર પ્રશાંતને ઝઘડાના કારણ અંગે પૂછતા કહ્યું હતું કે, હું અજયભાઈની દુકાને ફાકી ખાવા ગયો હતો ત્યારે રમેશ અહીં ઊભો હોય અને મને કહેવા લાગ્યો હતો કે તારી નજર નીચે રાખવાની તેમ કહેતા મેં કહ્યું હતું કે મારો વાંક શું છે હું તો કંઈ બોલ્યો નથી તેમ કહેતા રમેશ ઉશકેરાઈ ગયો હતો અને માર મારવા લાગ્યો હતો. હુમલામાં સરપંચ તેના પુત્ર પ્રશાંત તથા દિવ્યેશને ઈજા પહોંચી હતી. જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોટડા સાંગાણી પોલીસે સામસામી ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી