જસદણના માધવીપુર શિવરાજપુર ગામ વચ્ચે અકસ્માત સર્જાયો એક્ટિવા કાર અથડાતાં મૉઢુકાના દંપતીનું મોત થતા પરિવારમાં અરૅરાટી વ્યાપી
યુગલ વિંછીયા ના મોઢુકા થી જસદણ તરફ આવતું હતું ત્યારે કાળ નો ભૅટો થયો દંપતીના મોતના પગલે પરિવાર શોકમગ્ન ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ દોડી
જસદણ તાલુકાના માધવીપુર અને શિવરાજપુર ગામ વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર અને એક્ટિવા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં દંપતીનું કમકમાટીભર્યું નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અતિ ગંભીર ઇજાના પગલે પતિએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો જ્યારે પત્નીને 108માં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું પણ પ્રાણપંખેરું ઉડી જતાં પરિવાર પર વજાઘાત સર્જાયો હતો.
અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ, વીંછિયાના મોઢુકા ગામના વતની મજીદભાઈ કરીમભાઈ પારેખ (ઉ.વ. 45) અને તેમના પત્ની જીલુબેન પોતાનું એક્ટિવા લઈને મોઢુકાથી જસદણ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન માધવીપુર અને શિવરાજપુર ગામ વચ્ચે સામેથી આવી રહેલી કાર સાથે
તેમના વાહનનો ભયાનક અકસ્માત સર્જાયો હતો.ટક્કર એટલી જોરદાર હતી કે મજીદભાઈ પારેખનું ગંભીર ઈજાના પગલે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાં તેમનાં પત્ની જીલુબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમણે પણ રસ્તામાં દમ તોડી દીધો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. બનાવ અંગે
પોલીસને જાણ કરવામાં આવતાં જસદણ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
ઘટનાને નજરે જોનારા સાક્ષીઓએ ઉમેર્યું હતું કે કાર ચાલકને પણ ઇજા પહોંચી છે પરંતુ અકસ્માત બાદ અટકવાને બદલે તેણે કાર હંકારી મૂકી હતી. બીજી તરફ કારમાં ત્રણથી ચાર લોકો હોવાનું પણ સામે આવ્યું હતું.