જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે જૂથ અથડામણ સમાધાનની વાતમાં મામલો બિચક્યો ધારિયા-લાકડીઓ ઉડીયા સામસામે ફરિયાદ
બંને પક્ષો વચ્ચે થયેલી સામસામે મારામારીમાં 4 શખ્સો લોહીલુહાણ સારવારમાં ખસેડાયા 10 થી 12 લોકોના ટોળા સામે પોલીસ તપાસ શરૂ
જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી અગાઉના કોઈ પ્રશ્ને સમાધાન કરવા માટે એકઠા થયેલા બે પક્ષો વચ્ચે વાતચીત દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો, જે અંતે સશસ્ત્ર જૂથ અથડામણમાં પરિણમ્યો હતો પ્રાપ્ત વિગત મુજબ નાની લાખાવડ ગામે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા વિવાદનો સુખદ અંત લાવવા માટે બેઠક યોજાઈ હતી. જોકે ચર્ચા દરમિયાન ઉગ્ર દલીલો થતા મામલો ગરમાયો હતો. જોતજોતામાં બંને પક્ષના 10 થી 12 જેટલા લોકો લાકડીઓ અને ધારિયા જેવા જીવલેણ હથિયારો સાથે સામસામે આવી ગયા હતા અને એકબીજા પર હુમલો કર્યો હતો
આ હિંસક અથડામણમાં બંને પક્ષના થઈને કુલ 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ જસદણ પોલીસનો કાફલો નાની લાખાવડ ગામે દોડી ગયો હતો. પોલીસે હાલ ગામમાં શાંતિ જાળવવા તજવીજ હાથ ધરી હતી અને બંને પક્ષોની ફરિયાદ નોંધી હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં જૂની અદાવત કે તત્કાલિન બોલાચાલી મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે