ઘેલા સોમનાથ ખાતે હસ્તકલા મેળો કલા-કારીગરી સ્વસહાય જૂથોના ઉત્પાદનોને વિશાળ બજાર મળશે મંત્રી કુંવરજીભાઈ
સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રી બાવળીયા તથા મહાનુભાવોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની કરી ઉજવણી
જસદણ વિંછીયા નજીકના ઘેલા સોમનાથ મંદિર પાસે શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું આયોજન કરાયું છે. ત્યારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પીપળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પવિત્ર પ્રસંગને ગ્રામ્ય વિકાસ અને આજીવિકા સાથે સાંકળીને ‘શ્રાવણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ શ્રાવણ માસની પરંપરા અને આસ્થાની ઉજવણી થશે, તો બીજી તરફ ગ્રામ્ય કારીગરો અને સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે મંચ મળશે. આ પ્રકારના આયોજનો દ્વારા ગ્રામ્ય મહિલાઓમાં આત્મનિર્ભરતા, ઉદ્યોગસાહસિકતા અને આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન મળે છે. સાથે સાથે શહેરના નાગરિકોને પણ સીધા ગ્રામ્ય ઉત્પાદકો પાસેથી ગુણવત્તાયુક્ત અને પરંપરાગત ઉત્પાદનો ખરીદવાની તક પ્રાપ્ત થાય છે. ‘સ્થાનિકમાંથી વૈશ્વિક’ની દિશામાં આગળ વધવાની તકો ઊભી થાય તે માટે આ પ્રકારના ઉત્સવો મહત્વપૂર્ણ બની રહ્યા છે.આ મેળામાં સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ ખાદ્ય ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પરંપરાગત વસ્ત્રો, પૂજન સામગ્રી, ઘર સજાવટની વસ્તુઓ, પરંપરાગત હસ્તકલા, આભૂષણો, રંગબેરંગી કાપડ, મુખવાસ, સરબતનો મસાલો, લિપણ આર્ટ, ક્રિસ્ટલ આર્ટ, રેઝીન આર્ટ, ચાકડા-ટોડલીયા તથા વિવિધ કલાત્મક ઉત્પાદનો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી રાહુલ ખાંભરા , ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીનના અધિકારીઓ કર્મચારીઓ અને સખીમંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.