error: This Content is protected !!

ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં ભાવસભર માતૃ-પિતૃ વંદના સંસ્કારલક્ષી કાર્યક્રમ યોજાયો

ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળા ખાતે ભવ્ય માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શુભ શરૂઆત તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી દ્વારા ઉપસ્થિત તમામ વાલીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના શિક્ષકો દ્વારા કાર્યક્રમનો ઉદ્દેશ સમજાવવામાં આવ્યો હતો અને જીવનમાં માતા-પિતાના મહત્વ વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, આજની મોબાઈલ યુગની પેઢીમાં બાળકોમાં માતા-પિતા પ્રત્યે આદર અને સંસ્કારનું સિંચન થાય એ જ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બાળકો દ્વારા માતા-પિતાનું પૂજન હતું. બાળકોએ પોતાના માતા-પિતાને કુમકુમ તિલક કરી, ચોખા અને ફૂલથી વધાવી આરતી ઉતારી હતી. માતા-પિતાની સાત પરિક્રમા કરી પંચાંગ પ્રણામ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું તથા મોં મીઠું કરાવ્યું હતું. સામે માતા-પિતાએ પણ બાળકોને કુમકુમ તિલક કરી માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા હતા.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ બાળકો પોતાના માતા-પિતાને ભેટી પડ્યા હતા, જેને લઈ સમગ્ર માહોલ ભાવવિભોર બની ગયો હતો. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓએ માતા-પિતા અને ગુરુની સાક્ષીએ માતા-પિતાને હંમેશા સન્માન આપવાની અને ક્યારેય તેમનું દિલ ન દુભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત માતા-પિતાએ આવા સંસ્કારલક્ષી કાર્યક્રમનું આયોજન કરવા બદલ રાજીપો વ્યક્ત કરી શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.