error: This Content is protected !!

જસદણની ચામુંડા જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં મહિલા તસ્કર ત્રાટકી સોનાના દાણા ભરેલી પેટી બઠાવી ફરાર

ચાંદીના છતર ખરીદવાના બહાને મહિલા તસ્કર દુકાનમાં આવી, ઘુઘરી ટાંકી આપવાનું કહી સોની વેપારીનું ધ્યાન ભટકાવી એક લાખના ઘરેણાં ચોરી નાસી છૂટી ગુનો નોંધાયો

 

 

જસદણના આદમજી રોડ પર આવેલ ચામુંડા જવેલર્સ પેઢીમાં ગ્રાહકના સ્વાંગમાં મહિલા તસ્કર ત્રાટકી હતી. ચાંદીના છતર લેવાના બહાને દુકાને આવેલી મહિલા સોની વેપારીની નજર ચૂકવી એક લાખના સોનાના દાણા ભરેલી પેટી ઉઠાવી ફરાર થઇ ગઈ હતી. જે મામલે જસદણ પોલીસે ગુનો નોંધી મહીલા તસ્કરની શોધખોળ આદરી હતી. બનાવ અંગે જસદણના વિંછીયા રોડ પર આનંદધામ સોસાયટીમાં રહેતા 64 વર્ષીય વૃદ્ધ સોની વેપારી જેન્તીભાઇ બાલુભાઇ થડેશ્વરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમા બે દિકરા તથા ત્રણ દિકરી છે. તેઓ જસદણના આદમજી રોડ ઉપર ચામુંડા જ્વેલર્સ નામની ઘરેણાની દુકાન ચલાવે છે. તેઓ ત્રણેય પિતા-પુત્રો વારાફરતી દુકાનનો વહિવટ સંભાળે છે.ગઈકાલે સાંજે પાંચ વાગ્યે તેઓ દુકાને હતાં ત્યારે અંદાજે 50 વર્ષની ઉંમરની લાલ કલરની સાડી પહેરેલ મહિલા ગ્રાહક દુકાને આવેલ અને ચાંદીના નાના છત્તર બતાવવા માટે કહેલ હતું. જેથી તેને ચાંદીના છત્તર બતાવેલ તો મહિલા ગ્રાહકે કહેલ કે, આ છત્તરમા મને નાની નાની ઘુઘરીઓ ટાંકી આપો અને મારે સોનાના દાણા પણ ખરીદવા છે તો સોનાના દાણા બતાવો. જેથી સોનાના દાણા ઉપર લાલ કલર અને સાઇડમા સફેદ કલરની એક બંધ થઈ શકે તેવી પેટીમા જ રાખતા હતા એટલે તે સોનાના દાણા વાળી પેટી જેમા અંદાજે સીત્તેર જેટલા સોનાના દાણા હતા જેનો વજન અંદાજે દસ ગ્રામ જેવુ હતુ તે પેટી મહિલા ગ્રાહકને જોવા માટે આપેલ હતી અને ફરીયાદી કામમા લાગી ગયેલ હતાં. થોડી વાર બાદ મહિલા ગ્રાહકે કહેલ કે, તમે છત્તરમા ઘુઘરી ટાંકી રાખો હુ બજારેથી ખરીદી કરી આવુ એટલે પાછી આવીને છત્તર લેતી જઈશ તેમ કહિને મહિલા ગ્રાહક જતી રહેલ હતી. દરમિયાન યાદ આવેલ કે, સોનાના દાણાની પેટી જોવા માટે આપેલ તે પેટી દુકાનમા બધે શોધતા સોનાના દાણાની પેટી ક્યાય મળેલ નહિ. પેટીમા રહેલ અંદાજે સિત્તેર જેટલા દસ ગ્રામ વજનના સોનાના દાણાની કિંમત એક લાખ રૂપીયા જેવી થાય છે તે ચોરી થઇ ગયાની જાણ થઇ હતી. વધુમાં સોની વેપારીએ જણાવ્યું હતું કે, મહિલા ગ્રાહક આવ્યા બાદ અન્ય કોઈ ગ્રાહક દુકાનમાં આવ્યો ન હતો જેથી મહિલા ગ્રાહક જ સોનાના દાણાની પેટી ઉઠાવી ગયાની શંકા પાક્કી બની હતી. બાદ સોની વેપારીએ દુકાન બહાર નીકળી જોતા મહિલા ક્યાંય મળી ન હતી. જેથી અંતે રૂ. 1 લાખની કિંમતના 70 જેટલાં સોનાના દાણા ભરેલી પેટી ચોરી જનાર મહિલા તસ્કર વિરુદ્ધ વેપારીએ જસદણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.