આટકોટ-ભાવનગર હાઈ-વે પર બે દિવસમાં સ્પિડબ્રેકરથી પાંચ અકસ્માત બાજૂમાં આવેલા પૂલ સાથે પણ વાહનો અથડાઈ રહ્યા છે, મોટા અકસ્માતનો ભય
રાજકોટ-આટકોટ-ભાવનગર હાઇવે પર યુનિક સ્કૂલ પાસે બનાવાયેલા સ્પીડ બ્રેકરને કારણે બે દિવસમાં પાંચ અકસ્માત થયા હોવા છતાં સ્પીડ બ્રેકર હટાવવામાં ન આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મુખ્ય હાઈવે પર સ્પીડમાં આવતાં વાહનો આગળ જતાં વાહનો સાથે અથડાતા વાહનોમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. સ્પીડબ્રેકર બાજુ પુલ હોવાથી કેટલાક વાહનો નદીનાં પૂલ સાથે અથડાવાના બનાવો બની રહ્યા છે ત્યારે એક મોટરસાયકલ પણ સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માત બાદ બપોરના સમયે પણ બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જોકે અંદર બેસેલા લોકોને કોઈ ઈજા થઈ ન હતી પણ કારોમાં ભારે નુકસાન થયું હતું. વારંવાર નાના-મોટા અકસ્માતો બનતા
હોવા છતાં તંત્ર દ્વારા આ બમ્પ હટાવવામાં આવતા નથી જેનાં કારણે રાત્રીના સમયે અજાણ્યા વાહનચાલકો અકસ્માતનાં ભોગ બને છે. છેલ્લા બે દિવસમાં આ સ્પિડબ્રેકરને કારણે પાંચ અકસ્માત સર્જાયા છે જ્યારે ટુવ્હિલ ચાલકોના પડી જવાના બનાવો તો સામાન્ય બન્યા છે ત્યારે વહેલી તકે આ સ્પીડબ્રેકર કાઢી નાખવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.