વિંછીયાનાં રેવાણીયાથી દડલી રોડ રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે બનશે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ખાતમુહૂર્ત ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા સહિતની તમામ સુવિધા વધુ સુદૃઢ બને તે ઉદ્દેશ
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રેવાણીયા-દડલી રોડના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા આયોજિત આ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૨.૭૫ કરોડની તાંત્રિક મંજૂરી સાથે ૬.૧૫૦ કિલોમીટર લંબાઈના રસ્તાનું નવીનીકરણ હાથ ધરાશે આ તકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની સુવિધા વધુ સુદૃઢ બને અને છેવાડાના ગામોનું પરિવહન સરળ બનાવવાનાં ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યોને અવિરત વેગ આપવામાં આવી રહ્યો છે ગામડાઓમાં શહેરો જેવી સુવિધા ઉપલબ્ધ કરવાની સાથે ગામડાઓને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સરકાર દ્વારા ગામથી ગામને જોડતા પાકા રસ્તા ગામેગામ બનાવવામાં આવી રહ્યાં હોવાનું તેમણે આ તકે ઉમેર્યું હતું.
રસ્તો બન્યા બાદ વાહન ચાલકોને વાહન ચલાવવામાં સરળતા રહેશે, સાથે સાથે રસ્તા પર વરસાદનાં પાણીનો ભરાવો ન થાય તેની તકેદારી પણ પ્લાનમાં રાખવામાં આવી છે સમગ્ર કામગીરી નિયત સમયમર્યાદામાં ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે એ સંબંધિત એજન્સીને જરૂરી સૂચના આપી હતી. આ કામગીરી અંતર્ગત સમગ્ર ૬.૧૫૦ કિ.મી. લંબાઈમાં રસ્તાને વ્યવસ્થિત કરવામાં આવશે, તેમજ જરૂરિયાત મુજબ રેવાણીયા ગામમાં ૧૪૫ મીટર અને દડલી ગામમાં ૫૦ મીટર સી.સી. રોડનું નિર્માણ કરાશે, જેમાં બોક્સ કટીંગ, મેટલ, પીસીસી અને વેરીંગ કોટની કામગીરી સામેલ છે. રસ્તામાં ૩ લેયરમાં આધુનિક ડામરકામ કરવામાં આવશે ચોમાસા દરમિયાન પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દડલી ગામ પાસે હયાત કોઝવેની જગ્યાએ ૩ ગાળાનું સ્લેબ ડ્રેન તેમજ ૯૦૦ એમ.એમ. અને ૧૨૦૦ એમ.એમ.ના બે-બે પાઇપ નાળા તૈયાર કરાશે. માર્ગ સુરક્ષા અને વાહનચાલકોની સલામતીને પ્રાધાન્ય આપતાં ૮૦ મીટર પ્રોટેક્શન વોલ, સાઇડ શોલ્ડર માટીકામ, રોડ ફર્નિચર, સાઇન બોર્ડ અને રસ્તાની બંને બાજુ થર્મોપ્લાસ્ટિક પટ્ટા લગાવવામાં આવશે આ નવનિર્મિત રસ્તાથી રેવાણીયા અને દડલી સહિત આસપાસના ગ્રામીણ પંથકના ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો માટે પરિવહન વધુ સલામત, ઝડપી અને સરળ બનશે, જેનાથી સમગ્ર વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસને નવું બળ મળશે આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતનાં સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં