આટકોટના ખારચીયા પાસે બે કાર વચ્ચે અકસ્માતઃ ભાવી પતિ સામે જ મંગેતરનું મોત
કંકુ પગલાંની ખરીદી કરવાં સાથે નીકળ્યાં અને યુવતીને કાળ આંબી ગયો,રોંગ સાઇડમાં આવેલી કારે અકસ્માત સર્જયોઃ યુવક અને તેના ભાઇને ઇજા, બંને પરિવારમા કાળો કલ્પાંત
આટકોટ નજીક ખારચીયા ગામ પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં ધસી આવેલી કારે સામેથી આવી રહેલી કારને હડફેટે લેતા અકસ્માતની આ ઘટનામાં જસદણની યુવતીનું મોત થયું હતું. જ્યારે તેની સાથે રહેલ તેના મંગેતર અને મંગેતરના ભાઈને ઈજા પહોંચી હતી. ચાર મહિના પૂર્વે સગાઈ થયા બાદ યુવતી મંગેતર સાથે કંકુ પગલા માટેની ખરીદી કરવા જતી હતી દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવના પગલે આહીર પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો.બનાવ અંગે લાઠીમાં બગીચા પ્લોટ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ મધુભાઈ ડેર (ઉ.વ. ૨૪) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગ્રાન્ડ વીટારા નંબર જીજે ૧૧ ડીબી ૦૮૪૫ ના ચાલક નું નામ આપી જણાવ્યું હતું કે, તે બે ભાઈમાં સૌથી નાનો છે તેના મોટાભાઈ સંજયની જસદણમાં રહેતા નાથુભાઈ નાનકુભાઈ ભુતૈયાની પુત્રી વૈશાલી સાથે ચાર મહિના પૂર્વે સગાઈ થઈ હતી. ગઈકાલે સવારના આઠેક વાગ્યે મિત્રની નેકસન કાર નંબર જીજે ૩ કેપી ૧૯૩૯ લઈ યુવાન તથા તેના મોટાભાઈ સંજય ગોંડલ તથા રાજકોટમાં ભાભીના કંકુ પગલા કરાવવાના હોય જેથી તે માટે ખરીદર્દી કરવા ભાઈના સસરાના ઘરે જસદણ સવારે નવ વાગ્યે પહોંચ્યા હતા. બાદમાં ભાભી વૈશાલીબેનને સાથે લઈ ત્રણેય ખરીદી કરવા માટે ગોંડલ જવા માટે નીકળ્યા હતા. કાર ફરિયાદી યુવાન હિતેશ ડેર ચલાવતો હતો. દરમિયાન દસેક વાગ્યે આસપાસ આટકોટ ગોંડલ રોડ પર ખારચીયા ગામથી આગળ અચાનક બ્લુ કલરની ગ્રાન્ડ વિટેરા કારના ચાલકે રોંગ સાઈડમાં વાહન ચલાવી યુવાનની કાર સાથે અકસ્માત સજર્યો હતો બાદમાં યુવાને કારમાંથી બહાર નીકળી જતા તેના ભાભી વૈશાલીબેનના કપાળ પરથી લોહી નીકળતું હતું તેમજ તેના ભાઈ સંજય પણ બેભાન થઈ ગયો હતો. બાદમાં ૧૦૮ મારફ્ત યુવાન તેના ભાભી વૈશાલી અને સંજયને સારવાર માટે આટકોટની કે.ડી. પરવડીયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા અહીં યુવાનના ભાભી વૈશાલીબેનને જોઈ તપાસી ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે યુવક અને તેના ભાઈને ઇજાઓ પહોંચી હોય અહીં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. વધુમાં મળતી વિગતો મુજબ, અકસ્માતમાં મોતને ભેટનાર જસદણની યુવતી વૈશાલી નાથુભાઈ ભુતૈયા ત્રણ બહેનના પરિવારમાં વચેટ હતી. લાઠીના સંજય સાથે સગાઈ થયા બાદ મંગેતર સાથે કંકુ પગલા માટેની ખરીદી કરવા જતા હતા. દરમિયાન અકસ્માતની આ ઘટનામાં યુવતીએ જીવ ગુમાવતા બંને પરિવારોમાં કલ્પાંત છવાઈ ગયો હતો. અકસ્માતની આ ઘટના અંગે હિતેશ ડેરની ફરિયાદ પરથી આટકોટ પોલીસે ગ્રાન્ડ વીટેરા નંબર જીજે ૧૧ ડીબી ૦૮૪૫ ના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.