error: This Content is protected !!

જસદણના આલણસાગર તળાવમાં 4 બાળકના ડૂબી જતાં મોત કરૂણ સમાચાર મળતા જ મંત્રી કુવરજીભાઈ ઘટના સ્થળે પહોંચ્યા

બાળકો માતા-પિતાને કહ્યા વગર બાખલવડ ડૅમૅ નાહવા ગયા હતા ચાર કુળદીપકના મોતથી પરિવારમાં હૈયાફાટન રૂદનથી વિંછીયા રોડ વિસ્તારમાં માતમ

 

જસદણના બાખલવડ ગામનુ આલણસાગર તળાવ આજે ચાર ગરીબ પરિવારો માટે કાળમુખું સાબિત થયું હતું. રવિવારની રજા હોવાથી જસદણના વિંછીયા રોડ પર રહેતા શ્રમિક પરિવારના ચાર કિશોરો ઘરના સભ્યોને જાણ કર્યા વગર તળાવમાં ન્હાવા માટે પડયા હતા. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ચારેય મિત્રો એકપછી એક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તળાવની પાળ પર બાળકોની સાયકલ અને કપડાં બિનવારસી હાલતમાં લાંબા સમય સુધી પડ્યા રહેતા સ્થાનિક ગ્રામજનોને શંકા ગઈ હતી, જેના પગલે તપાસ કરતા હૃદયદ્રાવક દુર્ઘટના સામે

આવી હતી આ કરુણ ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ 14 વર્ષીય રામુ ભાયાભાઈ રાઠોડ, 10 વર્ષીય કાળુ ભરતભાઈ રાઠોડ, 15 વર્ષીય રાજવીર સામતભાઈ રાઠોડ અને 15 વર્ષીય કિશન મનસુખભાઈ રાઠોડના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ હૃદયદ્રાવક સમાચાર મળતા જ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી તેમજ આ ગરીબ પરિવારોને અંતિમવિધિ માટે 25, 25 હજાર રૂપિયાની સહાય જાહેર કરી હતી તેમજ રાજ્ય સરકાર તરફથી મળવાપાત્ર સહાય અપાવવા કટિબંધતા દર્શાવી હતી એકસાથે ચાર આશાસ્પદ બાળકના મોતથી જસદણ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જસદણ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર જ્યારે આ માસૂમોના મૃતદેહ લાવવામાં આવ્યા ત્યારે વાલીઓના

હૈયાફાટ રુદનથી હોસ્પિટલની દીવાલો પણ ધ્રૂજી ઉઠી હતી. જે બાળકો સવારે હસતા-રમતા ઘરેથી નીકળ્યા હતા, તેમના મૃતદેહ જોઈને પથ્થર હૃદયના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. જસદણ પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ ઘટનાએ સમગ્ર પંથકમાં ક્યારેય ન ભુલાય તેવો શોકનો માહોલ સર્જી દીધો હતો