error: This Content is protected !!

રાજકોટ જિલ્લા ૧૮૧ અભયમ ટીમે માનસિક તણાવથી પીડાતા અને રસ્તો ભૂલેલા મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલન

રાજકોટ જિલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અને જાગૃત નાગરિકની સતર્કતાના કારણે માનસિક તણાવથી પીડાતા અને રસ્તો ભૂલી ગયેલા બહેનને ગણતરીના સમયમાં તેમના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલન કરાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. રાજકોટના એક નાગરિક દ્વારા ૧૮૧ હેલ્પલાઇન પર જાણ કરવામાં આવી હતી કે, તેમની વાડી પાસે એક અજાણી મહિલા ભટકી રહી છે. આ બહેનને પોતાનું સરનામું કે ઘર ક્યાં છે તેની કોઈ જાણકારી નહોતી. કોલ મળતા જ અભયમ ટીમ સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું.

કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બહેન પોતાના દિયરના લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી ચાલતા-ચાલતા રસ્તો ભૂલી અજાણ્યા સ્થળે પહોંચી ગયા હતા. ૧૮૧ ટીમ દ્વારા તેમને નજીકના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ અને અભયમ ટીમના સંયુક્ત પ્રયાસો અને વિવિધ સ્તરે કરવામાં આવેલી તપાસના અંતે બહેનના પતિનો સંપર્ક કરવામાં સફળતા મળી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે, બહેન માનસિક તણાવને કારણે યાદશક્તિની સમસ્યાથી પીડાતા હતા અને નિયમિત દવા લેતા નહોતા. અભયમ ટીમ દ્વારા પરિવારને સૂચના આપવામાં આવી હતી કે બહેનને ક્યારેય એકલા ન મૂકવા અને તેમની પાસે હંમેશા ઘરનું સરનામું કે મોબાઈલ નંબર રાખવો. સાથે જ બહેનને સમયસર દવા લેવા માટે સમજાવવામાં આવ્યા હતા.

સ્વજનને સહીસલામત પરત મેળવતા પરિવારજનોએ ૧૮૧ મહિલા હેલ્પલાઇન, પોલીસ તંત્ર અને મદદ કરનાર જાગૃત નાગરિકનો આભાર માન્યો હતો.