વીંછિયાના ભોંયરા સોમ પીપળીયા ગામે દીપડાના ધામા શ્વાનનૉ શિકાર કર્યાના સીસીટીવી ફૂટેજ મળ્યા
હિંગોળગઢ આજુબાજુના ગામડાઓમાં ખેડૂતો પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે વન વિભાગ તુરંત દીપડાને પાંજરે પૂરે તેવી માંગ ઉઠી છે
જસદણ અને વીંછિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો ત્રાસ અસહ્ય બની ગયો છે. વન્યજીવની સતત મૂવમેન્ટને કારણે ગ્રામજનો રાત-દિવસ ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે વારંવારની રજૂઆતો છતાં વન તંત્ર ઘોર નિદ્રામાં હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. વીંછિયા તાલુકાના ભોંયરા ગામે દીપડો રહેણાંક વિસ્તાર સુધી ધર્સી આવ્યો હતો. ગામની શૅરીમાંથી એક શ્વાનને દીપડો ઉપાડી જતો હોવાની સમગ્ર ઘટના સ્થાનિક CCTV કેમેરામાં કેદ થઈ હતી.
આસપાસના સીમ વિસ્તારોમાં છેલ્લા દસ દિવસથી દીપડો મુક્તપણે વિહરી રહ્યો છે. દીપડાએ અત્યાર સુધીમાં અનેક પશુઓનું મારણ કર્યું છે. જેથી ખેડૂતો ખેતર જતા પણ ડરી રહ્યા છે.
કોઇનો જીવ જાય પછી દીપડાને પાંજરે પૂરવા ક્વાયત શરૂ થશે?સ્થાનિક ગ્રોમજનોનો આક્રોશ છે કે વન વિભાગને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળે છે. હજુ સુધી દીપડાને પકડવા માટે કોઈ મજબૂત પાંજરૂં ગોઠવવામાં આવ્યું નથી. ગ્રામજનોની માંગણીઓ છે ભોંયરા, સૌમપીપળીયા અને હિંગોળગઢ સીમ વિસ્તારમાં તાત્કાલિક અસરથી મોટા પાંજરા ગોઠવવામાં આવે, વન વિભાગની ટીમ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે. પશુપાલકોને ત્વરિત વળતર ચૂકવવામાં આવે. જો દીપડાને પાંજરે પૂરવામાં નહીં આવે આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે.