જસદણનાં વડાળી નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં ચોટીલાના સણૉસરાના યુવકનું સારવારમાં મોત પરિવારમાં ગમગીની
જસદણના વડાળી નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં ઘવાયેલા ચોટીલાના સણોસરા ગામના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ ચોટીલાના સણોસરા ગામે રહેતા વિજયભાઈ વાલજીભાઈ રંગપરા ઉ.વ.૩૮ ના ગત તા.૧૨ના પોતાનું મોટર સાઈકલ લઇ જસદણ કામૅ જતા હતા ત્યારે વડાળી પાસે સામેથી આવતા બાઈકના ચાલકે બાઈક અથડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં વિજયભાઈ રોડ પર પટકાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર માટે પ્રથમ જસદણ ત્યાંથી સદભાવના હોસ્પિટલ અને વધુ સારવાર માટે સિવિલમાં ખસેડાતા રાત્રીના દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે નાની મોલડી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વિજયભાઈ ખેતીકામ કરતા હતા અને બે ભાઈ બે બહેનમાં મોટા હતા સંતાનમાં એક પુત્રી છે, અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી છે.