error: This Content is protected !!

આટકોટ નજીકના મોટાદડવા ગામે વ્યાજખોરોનો આંતક વેપારીની પત્નીની આબરૂ લૂંટવાનો પ્રયાસ

વ્યાજે લીધેલા ૨ લાખ સામે ૩ લાખ ચૂકવી દીધા છતાં ઘરમાં ઘૂસી તોડફોડ કરી રૂા.૯ લાખ માંગ્યા ગુનો દાખલ

 

આટકોટ નજીકના મોટા દડવા ગામે રહેતા અને 'શિવશક્તિ કિરાણા' નામની દુકાન ચલાવતા ૬૩ વર્ષીય વેપારી પ્રતાપપરી શંભુપરી ગોસાઈએ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે જિજ્ઞેશભાઈ વિનુભાઈ જાદવ, અજયભાઈ હરેશભાઈ પરમાર અને જીજ્ઞેશભાઈ મનસુખભાઈ પરમારનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના નાના દીકરા નયનપરીએ અગાઉ ગામના જ જીિજ્ઞેશભાઈ વિનુભાઈ જાદવ પાસેથી કોઈપણ જાતના નાણાધીરધારના લાઈસન્સ વગર રૂપિયા બે લાખ માસિક ૫ ટકા લેખે વ્યાજે લીધા હતા. આ રકમ વ્યાજ સહિત કુલ રૂપિયા ત્રણ લાખ નયનપરીએ પરત ચૂકવી દીધી હતી. આમ છતાં, આરોપીઓ દ્વારા વધુ નવ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી.

ગત તા ૧૪ ના રોજ સવારે અગિયારેક વાગ્યે આરોપીઓ જિજ્ઞેશભાઈ વિનુભાઈ જાદવ, અજયભાઈ હરેશભાઈ પરમાર અને જીજ્ઞેશભાઈ મનસુખભાઈ પરમાર વેપારીના ઘરે આવ્યા હતા. તે સમયે મોટા દીકરા પ્રજ્ઞેશપરીના પત્ની શીલ્પા ઘરે એકલા હતા. મુખ્ય આરોપી જીજ્ઞેશ જાદવે નયનપરી અંગે પૂછપરછ કરી, મહિલાનું બાવડું પકડી સાડી ખેંચી છેડતી કરી હતી, જેથી મહિલાએ બૂમાબૂમ કરતા આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા.

ત્યારબાદ બપોરના આશરે ત્રણેક વાગ્યે આ ત્રણેય આરોપીઓ મોટરસાયકલ પર લોખંડની પાઈપ અને લાકડી જેવા હથિયારો સાથે ફરિયાદીની કિરાણા દુકાને ધસી આવ્યા હતા. ત્યાં આવીને તેમણે વ્યાજના રૂપિયાની માંગણી કરી ગાળો ભાંડી દુકાનમાં રહેલી કાચની બરણીઓ અને પાણીનો જગ તોડી

નુકશાન કર્યું હતું. એટલું જ નહીં, જીજ્ઞેશ જાદવે છુટી ઇંટનો ઘા મારી પ્રજ્ઞેશપરી ઉપર હુમલો કર્યો હતો. અને 'જો રૂપિયા નહીં આપો તો જ્યા મળશે ત્યા જીવથી મારી નાખીશું' તેવી ધમકી આપી હતી. આ ઘટના અંગે આટકોટ પોલીસે ફરિયાદી પ્રતાપપરીની ફરિયાદને આધારે જીજ્ઞેશભાઈ વિનુભાઈ જાદવ, અજયભાઈ હરેશભાઈ પરમાર અને જીજ્ઞેશભાઇ મનસુખભાઈ પરમાર સામે ગુનો નોંધ્યો છે.