વિંછીયાના સોમપીપળીયા, સનાળા અને મોઢુકા ગામે કલેક્ટર ડો. ઓમપ્રકાશની અધ્યક્ષતામાં પ્રગતિના પ્રવેશોત્સવ'ની ઉજવણી
બાળકના જીવન ઘડતર માટે શિક્ષકો અને વાલીઓ વચ્ચે સમન્વય જરૂરી બાળકોને મેદસ્વિતામુક્ત રાખવા સ્વાસ્થ્યપ્રદ આહાર લેવાની હિમાયત કરતા કલેક્ટર
સ્કૂલ ચલે હમ’ના સૂત્રને સાર્થક કરતા 'કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ'ના બીજા દિવસે રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાની સોમપીપળીયા પ્રાથમિક શાળા, સનાળા પ્રાથમિક-માધ્યમિક શાળા અને પી.એમ.શ્રી મોઢુકા તાલુકા શાળા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમપ્રકાશના અધ્યક્ષસ્થાને 'પ્રગતિનો પ્રવેશોત્સવ' કાર્યક્રમ
યોજાયો હતો. આ અવસરે કલેક્ટરશ્રીએ શાળાના આંગણે પ્રથમ વાર પગ મૂકતા ભૂલકાંઓને શૈક્ષણિક કીટ આપીને ઉષ્માભેર આવકાર્યા હતા.
જિલ્લા કલેક્ટર એ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ ક્લાસીસ, વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ વાલીઓની સહભાગીતાના આધારે 'ગુણોત્સવ' અંતર્ગત શાળાનું ગ્રેડિંગ થતું હોય છે. પરંતુ સાચું શિક્ષણ અને સંસ્કાર શાળામાં પ્રવેશ પહેલા ઘરથી શરૂ થાય છે. વાલીઓને વિનંતી છે કે ફોન કે રીલ્સ જોવામાંથી થોડો સમય બચાવીને રોજ બાળકો સાથે સંવાદ સાધે. માતા-પિતાએ રોજ અડધો કલાક બાળક સાથે બેસીને તેના હોમ વર્ક, કસોટીઓ અને ઈત્તર પ્રવૃત્તિઓની ચર્ચા કરવી જોઈએ. બાળકના જીવન ઘડતરને મજબૂત કરવા માટે શિક્ષકો અને વાલીઓ વચ્ચેનો સમન્વય જરૂરી છે.
આ વર્ષે સોમપીપળીયા ગામ ખાતે આંગણવાડીમાં ૧૧, બાલવાટિકામાં ૪૧ અને ધોરણ ૦૧માં ૦૬ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો અને કોઈ કારણસર અભ્યાસ અધવચ્ચે છોડી ગયેલા ૦૨ વિદ્યાર્થીઓનું ફરી પુનઃનામાંકન કરવામાં આવ્યું હતું.
સનાળા ગામ ખાતે આંગણવાડીમાં ૦૫, બાલવાટિકામાં ૨૬, ધોરણ ૦૧માં ૦૫ અને ધોરણ ૦૯માં ૩૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો
આ તકે પ્રાંત અધિકારી શ્રી રાહુલકુમાર ખાંભરા, તાલુકા વિકાસ અધિકારી શ્રી બી. જે. દવે, સનાળા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ રાઠોડ, સનાળા માધ્યમિક શાળાના આચાર્ય શ્રી હસુમતીબેન પરમાર, પી.એમ.શ્રી મોઢુકા તાલુકા શાળાના આચાર્ય શ્રી પ્રભુભાઈ જાંબુકીયા, મોઢુકા સરકારી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી એ. જી. બારડ, મોળીલા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ધીરુભાઈ વાલાણી, સોનકુબા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ તલસાણીયા, સી.આર.સી. કો-ઓર્ડીનેટર શ્રી દિલીપભાઈ ખંભાળીયા, સી.ડી.પી.ઓ. શ્રી ઉર્મિલાબેન સોલંકી અને શ્રી હંસાબેન ઓળકીયા સહિત શિક્ષકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.