error: This Content is protected !!

જસદણની સરકારી આર્ટસ અને કોમર્સ વિજ્ઞાન પ્રવાહની કોલેજમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નો સત્કાર સમારોહ યોજાયો

ઘર આંગણે સુવિધાથી ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દીનું સ્વપ્ન પૂર્ણ થશે લક્ષ્ય પ્રાપ્તિ માટે મોબાઈલ સોશિયલ મીડિયાનો જરૂર મુજબ ઉપયોગ કરવા શીખ 

 

આજથી કેટલાક વર્ષો પહેલાં આર્ટસ, કોમર્સ કે સાયન્સ કોલેજમાં ભણવા માટે જસદણ, વીંછિયા પંથકના લોકોને છેક રાજકોટ સુધી જવું પડતું હતું, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે આપણા તાલુકામાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ શાખાની સરકારી કોલેજ ઉપલબ્ધ બની છે જે ગૌરવની વાત હોવાનું શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ જસદણ ખાતે સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને આવકારતાં જણાવ્યું હતું.

મંત્રી બાવળીયાએ જસદણની આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં લક્ષ્ય પર ફોકસ કરવા શીખ આપી વિદ્યાર્થીઓ જીવનમાં ખૂબ આગળ વધે તેવી શુભકામના પાઠવી વધુમાં કહ્યું હતું કે આજના બાળકો, યુવાનોને ઘર આંગણે શાળા, કોલેજમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બની છે ત્યારે વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધાઓના માધ્યમથી શ્રેષ્ઠ કારકિર્દી ઘડતરની તકને ઝડપી લેવા મંત્રીશ્રી બાવળીયાએ મહાનુભાવોના ઉદાહરણ સાથે પ્રેરણા પૂરી પાડી હતી.

મંત્રી કુંવરજીભાઈએ વિદ્યાર્થીઓને લક્ષ્ય તરફ આગળ વધવા માટે સોશિયલ મીડિયા અડચણરૂપ હોવાનું જણાવી મોબાઈલ ફોનનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવા ખાસ વિનંતી કરી વિશેષમાં જણાવ્યું હતું કે, આ પંથકમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે જસદણ તેમજ વીંછિયા તાલુકામાં સૌથી વધુ સીમ શાળાઓ, આધુનિક હાઈસ્કૂલ, કોલેજ, આઈ.ટી.આઈ અને અદ્યતન લાઇબ્રેરીના નિર્માણ કરવામાં આવી રહ્યા છે, જેના થકી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને શ્રેષ્ઠ કારકિર્દીનું પ્લેટફોર્મ મળી રહ્યાનું જણાવી અહીંની કોલેજમાંથી સારા ડોક્ટર, એન્જિનિયર અને વૈજ્ઞાનિકો બહાર આવે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જ્યારે જસદણમાં સરકારી વિજ્ઞાન પ્રવાહ કોલેજનું રૂ.૩૨ કરોડના ખર્ચે અદ્યતન નવા બિલ્ડીંગ નિર્માણની મંજૂરી અપાવવા બદલ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં કોલેજના પ્રિન્સિપાલશ્રીએ મોમેન્ટો આપી મંત્રીશ્રીનો આભાર પ્રકટ કર્યો હતો. 

મંત્રીશ્રીની વિવિધ કોલેજોની મુલાકાત વેળાએ કોલેજના પ્રિન્સિપાલ સર્વશ્રી અલ્પેશ જોશી, શ્રી બી.જે. ગાંગાણી, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.