જસદણના દહીંસરા પાસૅ દારૂ ભરેલી કાર સાથે બુટલેગર રાજકોટ પહોંચે તે પૂર્વે જ પોલીસ ત્રાટકી રૂ.3.57 લાખનો મુદામાલ જપ્ત બે બુટલેગર નાસી છૂટ્યા
ભાડલા પાસે રૂરલ એલસીબીનો દરોડો બોટાદના રતનપરથી પાયલોટિંગ સાથે આવતી દારૂ ભરેલ કાર સાથે રાજકોટના બુટલેગરને દબોચ્યો, 685 બોટલ જપ્ત
જસદણ ભાગલા નજીકથી દારૂ ભરેલી કાર સાથે બુટલેગર રાજકોટ પહોંચે તે પૂર્વે જ રૂરલ પોલીસની ટીમ ભાડલાના દહીસરા ગામ પાસે ત્રાટકી હતી અને દારૂ સહિત રૂ.3.57 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. બોટાદના રતનપરથી પાયલોટિંગ સાથે આવતી દારૂ ભરેલ કાર સાથે રાજકોટના બુટલેગરને દબોચ્યો હતો. જ્યારે રાજકોટના બે બુટલેગર નાસી છૂટતા શોધખોળ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ રૂરલ એલસીબી પીઆઇ જે.પી.રાવની રાહબરીમાં પીએસઆઇ પી.એન. ભરવાડ ટીમ સાથે જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ વિ. એમ.આલ અને કોન્સ્ટેબલ અશોકભાઈ ડાંગરને બોટાદ તરફથી એક દારૂ ભરેલી કાર રાજકોટ તરફ જતી હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે ભાડલાના દહીસરા ગામ નજીક આવેલ વીરપુર ચોકડી પાસે વોચ ગોઠવી હતી.
જે દરમિયાન ત્યાંથી પસાર થયેલ કાર નં. જીજે- 03-જે.એલ.0030 ને અટકાવી તેમાં હાજર કાર ચાલકને અટક કરી તેનું નામ પૂછતા પોતે રવિ ભીખુ ભાઇ ગિડા રહે. રાજકોટ આજી વસાહત, ખોડીયારપરા હોવાનું જણાવ્યું હતું.
પોલીસની ટીમે કારચાલકને સાથે રાખી કારમાં તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની 684 બોટલ દારૂ મળી આવતા પોલીસે રૂ.1.52 લાખનો શરાબ અને કાર, મોબાઇલ મળી કુલ રૂપિયા 3.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વધુમાં પોલીસે પકડેલ આરોપીની સઘન પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, રાજકોટનો પ્રતિક ઉર્ફે મયુર બાબુભાઈ ગીડા અને પૃથ્વી વલકુભાઇ ધાંધલ સાથે દારૂ લેવા માટે બોટાદના રતનપર ગામે ગયાં હતા અને ત્યાંથી દારૂનો જથ્થો લઈ પરત રાજકોટ આવવા નીકળ્યા ત્યારે તેની સાથેના પ્રતિક ઉર્ફે મયુર ગીડા અને પૃથ્વી ધાંધલ પોલીસથી બચવા માટે આગળ પાયલોટિંગ કરતાં હતાં. જે પોલીસ પકડમાં ન આવતાં તેની શોધખોળ યથાવત રખાઈ છે.