આટકોટના બળધોઇ પાસે બાઇક ચાલકનૅ બચાવવા જતાં કાર પલ્ટી અકસ્માતમાં શિક્ષિકાની નજર સામે માતાનું મોત પુત્રને ઈજા
રાજકોટથી ગઢડા જતી વખતે બાઇક ચાલકને બચાવવા જતાં શિક્ષિકાએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ માસુમ સારવારમાં
ગઢડામાં શિક્ષક તરીકે ફરજ બજાવતી પરણીતા રાજકોટથી માતા અને એક વર્ષના માસુમ પુત્રને લઈને ગઢડા જતી હતી ત્યારે બળધોઈ ગામ પાસે બાઈકચાલકને બચાવવા જતા શિક્ષિકાએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી જે કાર અકસ્માતમાં જનેતાનું મોત નીપજ્યું હતું જ્યારે એક વર્ષના માસુમ બાળકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રૈયા ચોકડી પાસે આવેલા યોગીનગરમાં રહેતા ભાર્ગવીબેન સુધીરભાઈ જોશી નામના (ઉ.વ.૫૭) પોતાની દીકરી શ્વેતાબેન અમરીશભાઈની કારમાં બેસીને રાજકોટથી ગઢડા જઈ રહ્યા હતા ત્યારે આટકોટના બળધોઈ ગામ પાસે
શ્વેતાબેને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી જે કાર અકસ્માતમાં શ્વેતાબેનના માતા ભાર્ગવીબેન જોશી અને તેના એક વર્ષના પુત્ર મૈત્રીયને ગંભીરતા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ભાર્ગવીબેન જોશીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં ભાર્ગવીબેન જોશીને સંતાનમાં શ્વેતાબેન એક જ પુત્રી છે શ્વેતાબેન ગઢડા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે જ્યારે શ્વેતાબેનના પતિ અમરીશભાઈ સુરેન્દ્રનગરમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે ભાર્ગવીબેન જોશી પુત્રી શ્વેતાબેન સાથે જ રહે છે. શ્વેતાબેન એક વર્ષના પુત્ર મૈત્રીય અને માતા ભાર્ગવીબેનને લઈને ગઢડા જઈ રહ્યા હતા ત્યારે બળધોઈ ગામ પાસે અચાનક બાઈક ચાલક આડો ઉતરતા શ્વેતાબેન બાઈક ચાલકને બચાવવા જતા ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં ભાર્ગવીબેન જોશીનું મોત નીપજયુ હોવાનું અને પુત્ર મૈત્રીય ગંભીર રીતે ઘવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આટકોટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.