જસદણ યાર્ડ ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કૃષિ સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં ટ્રેકટરની ખરીદીમાં ૧૯૮ લાભાર્થીઓને રૂ.૧,૯૮,૦૦,૦૦૦ની સહાયનું વિતરણ
સૌની યોજનાથી ૨૫૬ તળાવો ભરાતાં ઉનાળામાં પણ પીવાના અને સિંચાઈના પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ
ખેડૂતોના પાકની સુરક્ષા અને ડિજિટલ સાક્ષરતા માટે ગોડાઉન અને સ્માર્ટફોન સહાયનો વ્યાપક લાભ અપાયો
જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત જસદણ માર્કેટ યાર્ડ ખાતે કૃષિ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે મોટા ટ્રેકટરની ખરીદીમાં ૧૯૮ લાભાર્થીઓને રૂ.૧-૧ લાખ લેખે રૂ. ૧,૯૮,૦૦,૦૦૦ની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, સરકાર રાજ્યના ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા અને તેમને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જસદણ તાલુકામાં કુલ ૩૦,૬૧૮ ખેડૂત લાભાર્થીઓને ૯૬ કરોડથી વધુની સહાય પૂરી પાડવામાં આવી છે. તેવી જ રીતે વર્ષ ૨૦૨૬-૨૭માં જસદણ તાલુકાના કુલ ૩,૭૫૦ લાભાર્થીઓ માટે સાડા છ કરોડથી વધુની વિવિધ યોજનાકીય સહાય મંજૂર કરવામાં આવી છે.
વધુમાં જણાવ્યું હતું કે, ખેતીમાં દવાનો છંટકાવ સરળ અને સુરક્ષિત બને તે માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વધારવા વિંછિયા આઈ.ટી.આઈ. ખાતે ખાસ તાલીમ કોર્સ શરૂ કરવાનું આયોજન છે. સિંચાઈ અને તળાવોની સુવિધા અંગે માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સૌની યોજના અંતર્ગત વિસ્તારના ૨૫૬ જેટલા તળાવો ભરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ યોજનાના સફળ અમલીકરણથી આસપાસના તમામ ગામોમાં ઉનાળાની ઋતુમાં પણ પીવાના અને સિંચાઈના પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ થઈ શકી છે, જે ખેતીના વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ખેડૂતો પોતાના પાકનો સુરક્ષિત સંગ્રહ કરી યોગ્ય ભાવ મેળવી શકે, તે માટે ગોડાઉન નિર્માણ સહાય તેમજ ડિજિટલ યુગમાં બજારભાવથી અપડેટ રહેવા સ્માર્ટફોન ખરીદી સહાય યોજનાનો વ્યાપક લાભ આપવામાં આવ્યો છે, તેમ મંત્રી કુંવરજીભાઈ એ ઉમેર્યું હતું આ અવસરે માર્કેટ યાર્ડના ચેરમેન રમેશભાઈ હિરપરા વાઇસ ચેરમેન મહાવીરભાઇ ધાધલ સહિતના અગ્રણીશ્રીઓ, મદદનીશ ખેતી નિયામક પ્રદીપ મારવાણિયા સહિતના અધિકારીશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા