જસદણના અક્ષરધામ ખાતે ‘આંગણ ઉત્સવ’ યોજાયો મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના હસ્તે આંગણવાડીનાં બહેનોનું સન્માન તથા અભિવાદન કરાયું
ભૂલકાઓના ગુણવત્તા સભર શિક્ષણ પૌષ્ટિક આહાર પોષણ અને આરોગ્યની પાયાથી સંભાળ લેતી આંગણવાડી તથા આશા બહેનોને સન્માન પાત્ર આપાયા
જસદણના અક્ષરધામ મંદિર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને ‘આંગણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકર્તા અને આશા બહેનો માત્ર પોતાની ફરજ બજાવતા નથી, પરંતુ ભૂલકાઓ અને તેમના પરિવાર સાથે આત્મીયતાથી જોડાઈને પરિવારના સભ્યની જેમ તેમની સંભાળ રાખે છે. બાળકોના પોષણ, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે આ બહેનોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમની નિષ્ઠા અને સેવાભાવ ખરેખર સન્માનને પાત્ર છે. મંત્રી બાવળીયા એ વધુમાં જણાવ્યું હતું કે, બાળકના જીવનના શરૂઆતના વર્ષો તેના સમગ્ર ભવિષ્યનો પાયો નક્કી કરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાસભર અને સક્ષમ બનાવવામાં આવી રહ્યા છે.
બાળકોને સ્વચ્છ અને સુખદ વાતાવરણમાં પૌષ્ટિક આહાર સાથે ગુણવત્તાસભર પ્રારંભિક શિક્ષણ મળી રહે તે માટે વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે.
આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઇના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર્તા બહેનો તેમજ આશા વર્કર બહેનોને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તમામ બહેનોને તેમની સેવાભાવના સાથેની કામગીરી બદલ અભિનંદન આપી વધુ ઉત્સાહ સાથે કાર્ય કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી
કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, આઈસીડીએસ વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ, આંગણવાડી કાર્યકર્તા અને આશા વર્કર બહેનો, આંગણવાડીના ભૂલકાઓ તેમજ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.