વિછીંયાના ગોરૈયા ગામે બે વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયો
ગ્રેજ્યુએશન કરેલ શખ્સ તબીબ બની ક્લિનિક ચલાવવા લાગ્યો, રૂરલ એસઓજીની ટીમે મેડિકલ સાધનો કબ્જે કરી બોગસ તબીબને દબોચ્યો
વિછીંયા તાલુકાના ગોરૈયા ગામે બે વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબને રૂરલ એસઓજીની ટીમે દબોચી મેડિકલ સાધનો કબ્જે કર્યા હતાં. ગ્રેજ્યુએશન કરેલ શખ્સ તબીબ બની મુન્નાભાઈ એમબીબીએસ ક્લિનિક ચલાવવા લાગ્યો હતો.દરોડાની વિગત મુજબ, એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ પલાળીયા અને વિજયભાઇ વેગડને વિછીંયાના ગોરૈયા ગામ બસસ્ટેન્ડની પાછળ ચબુતરાની બાજુમાં મેરૂભાઈ ખાંભલ્યાના ભાડાના મકાનમાં ધર્મેશભાઈ ડેરવાળીયા નામનો શખ્સ કોઇપણ મેડીકલ ડીગ્રી ધરાવતો ન હોવા છતા ગેરકાયદેસર કલીનીક ચલાવે છે અને હાલે તેની પ્રેકટીસ ચાલુ છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડી ક્લિનિકમાં તપાસ કરતાં ખુરશી ઉપર ગળામાં સ્ટેથોસ્કોપ સાથે બેઠેલ એક શખ્સને અટકમાં લઈ તેનું નામ પુછતા પોતાનુ નામ ધર્મેશ હરજીભાઈ ડેરવાળીયા (ઉ.વ.૩૫, હાલ રહે, વિંછીયા સત્યજીત સોસાયટી મુળ રહે, સુરકા ગામ બોટાદ હોવાનુ જણાવેલ હતું. એસઓજીની ટીમે તે શખ્સ પાસે મેડીકલ પ્રેકટીશને લગતી કોઈ ડીગ્રી હોય તો રજુ કરવાનું કહેતા તેની પાસે કોઈ મેડિકલ ડિગ્રી ન હોવાનું જણાવ્યું હતું અને પોતે આ કલીનીક દોઢેક વર્ષથી ચલાવતો હોવાનુ અને કલીનીકમાં તપાસ કરતા કલીનીકમાંથી જુદા-જુદા દર્દો મટાડવાની ટેબ્લેટસ તથા ઇન્જેકશનો તથા સીરીજ તથા નીડલ તથા ડે મેડીકલ પ્રેકટીશને લગતા અન્ય સાધનો તથા દવાઓ મળી આવેલ હતાં. પોલીસે કુલ રૂ.૨૪૫૫૪ ના મેડિકલ સાધનો કબ્જે કરી બોગસ તબીબની ધરપકડ કરી હતી.વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પકડાયેલ શખ્સે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલ છે અને તે બે વર્ષથી બોગસ તબીબ બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું છે.