મેટ્રોમાં નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરતી ઠગ મહિલા સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
સામાન્ય નોકરી માટે દોઢ લાખ ઉઘરાવી લીધા
ડેપ્યુટી મેનેજરની પોસ્ટ માટે 14 લાખની માંગણી કરી ગુનો દાખલ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં ઊંચી પોસ્ટ પર નોકરી અપાવવાની લાલચ આપી 1.50 લાખની છેતરપિંડી આચરનાર મહિલા વિરુદ્ધ જસદણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. નોકરી વાંચ્છુ યુવતીને વિશ્વાસમાં લઈ નકલી ઓફર લેટર આપી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
ફરિયાદી મીનાક્ષીબેન ભુપતભાઇ સોલંકી અગાઉ માર્ગ અને મકાન વિભાગમાં કરાર આધારિત નોકરી કરતા હતા. તે સમયે તેમની સાથે નોકરી કરતી ભાવનાબેન મંગુભાઈ તડવી (રહે. રાજકોટ) સાથે તેમની મિત્રતા થઈ હતી. ભાવનાબેને લાલચ આપી હતી કે તેના કાકી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ અમદાવાદમાં ઉંચી પોસ્ટ પર છે અને તેઓ ઓળખાણથી નોકરી અપાવી શકે તેમ છે તેવી લાલચ આપી મહિલાએ મેટ્રોમાં ડેપ્યુટી મેનેજરની પોસ્ટ માટે કુલ રૂ. 14,00,000 માંગ્યા હતા, જેમાંથી રૂ. 1.50 લાખ એડવાન્સ પેટે લેવાનું નક્કી થયું હતું. બાકીના પૈસા નોકરી મળ્યા બાદ દર મહિને પગારમાંથી હપ્તે-હપ્તે ચૂકવવાની શરત રાખી હતી. વિશ્વાસ જીતવા માટે ભાવનાબેને એવો પણ દાવો કર્યો હતો કે તેણે તેના ભાઈ અને બહેનને પણ સરકારી નોકરીમાં સેટિંગ કરાવી આપ્યું છે. ફરિયાદીએ ટુકડે-ટુકડે ગુગલ પે અને રોકડ દ્વારા કુલ રૂ. 1,50,000 ચૂકવ્યા હતા.