error: This Content is protected !!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસર ને નેધરલેન્ડ્સની ટેક્નોલૉજીની નવી પાંખો મળી જળ જરૂર પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ કલ્પસર યોજના

મોદીના નેધરલેન્ડ્સ પ્રવાસમાં આશયપત્ર પર હસ્તાક્ષર થયા

સરદાર સરોવર ડેમ પરની નિર્ભરતા ઓછી થશે, પીવાના પાણી અને સિંચાઈ માટે જળની વ્યાપક ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ગુજરાતની મહત્વાકાંક્ષી કલ્પસર યોજનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. નેધરલેન્ડ્સના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રવિવારે નેધરલેન્ડ્સના વડાપ્રધાન શ્રી રોબ જેટન સાથે નેધરલેન્ડ્સના વિશ્વપ્રસિદ્ધ ડેમ ‘અફસ્લુઇટડિજ્ક’ (Afsluitdijk)ની મુલાકાત લીધી હતી. તેમણે આ ડેમમાં ઉપયોગમાં લેવામાં આવેલી ટેક્નોલૉજીને ઉદાહરણરૂપ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, ‘Afsluitdijk’ અને ગુજરાતની કલ્પસર યોજના વચ્ચે અઢળક સમાનતાઓ છે.

કલ્પસર યોજના માટે ટેકનિકલ સહયોગને લઈને વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં ભારતના જળ શક્તિ મંત્રાલય અને નેધરલેન્ડ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૉટર મેનેજમેન્ટ મંત્રાલય વચ્ચે આશયપત્ર (LoI) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આનાથી યોજનાના અમલીકરણને વધુ વેગ મળશે.અનિયમિત વરસાદ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિઓનો લાંબા સમયથી સામનો કરી રહેલા ગુજરાતને સરદાર સરોવર ડેમના નિર્માણથી રાહત તો મળી છે, પરંતુ લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોઈ એક યોજના પર નિર્ભર રહેવું જોખમી બની શકે છે. આ કારણોસર તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ખંભાતના અખાતમાં મહત્વાકાંક્ષી કલ્પસર યોજનાની કલ્પના કરી હતી. જોકે, આ યોજના ટેકનિકલી અત્યંત જટિલ અને પડકારજનક છે.કલ્પસર યોજના હેઠળ ખંભાતના અખાતમાં એક વિશાળ ડેમ બાંધીને સમુદ્રને મળતી સાત નદીઓના જળનો ઉપયોગ કરવાની યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખંભાતના અખાત પર મીઠા પાણીનું એક વિશાળ જળાશય બનાવવાનું છે. સાથે જ, તેમાં ભરતીથી ઊર્જા ઉત્પાદન, સિંચાઈ અને પરિવહન માળખાના સમકલિત વિકાસનો પણ સમાવેશ થાય છે.