રાજકોટ જિલ્લાનું જૈવવૈવિધ્યઃ સિંહ, દીપડાથી લઈને સસ્તન વર્ગના ૧૮ જેટલા પ્રાણીઓની હાજરી
જિલ્લામાં ૧૭ પ્રકારના સાપો, ૪૦ જેટલા પતંગિયા અને ૨૦૦થી વધુ પક્ષીઓનો વૈભવ
શાસ્ત્રોમાં કહેવાયું છે કે, સમગ્ર પ્રકૃતિ એક તાંતણે બંધાયેલી છે. સૃષ્ટિના તમામ જીવો, વૃક્ષો, નદીઓ, પર્વતો અને પંચમહાભૂત એકબીજા સાથે જોડાયેલા છે. જો એકને પણ નુકસાન થાય, તો તેની અસર સમગ્ર સૃષ્ટિ પર પડે છે. ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં જૈવવિવિધતાના જતનનો સંદેશ આદિકાળથી અપાયેલો છે. જૈવવૈવિધ્યના સંરક્ષણ, સંવર્ધન માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે ૨૨ મેના રોજ 'આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ' (International Day for Biological Diversity) ઉજવવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં અનેકવિધ જીવોનું અસ્તિત્વ સુપેરે જળવાયેલું જોવા મળે છે. નાયબ વન સંરક્ષક શ્રી યુવરાજસિંહ ઝાલાના માર્ગદર્શનમાં સામાજિક વનીકરણ સહિતની પ્રકૃતિ સંવર્ધનની કામગીરી સતત થતી રહે છે. રાજકોટ જિલ્લામાં ઘાંસિયા મેદાનો, જળપ્લાવિત વિસ્તારો ઉપરાંત કાંટાળા જંગલો જેવી અલગ અલગ ઈકોસિસ્ટમ ઉપલબ્ધ હોવાથી જૈવવૈવિધ્યને સાનુકૂળ આશ્રયસ્થાન મળી રહે છે.
માનદ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્રી ભાવેશ ત્રિવેદીએ પ્રકૃતિ અને જૈવવિવિધતાના કરેલા નિરિક્ષણ-અભ્યાસની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં સસ્તન વર્ગના પ્રાણીઓ (Mammals), સરીસૃપો (Reptiles), પક્ષીઓ (Birds) તેમજ પતંગીયાની ઘણી જાતો જોવા મળે છે. જિલ્લામાં સસ્તન વર્ગના ૧૮ જેટલા પ્રાણીઓ જોવા મળે છે. જેમાં ૧. સિંહ, ૨. દીપડો, 3. જંગલી બિલાડી, ૪. શિયાળ ૫. લોકડી, ૬.ઝરખ, ૭.વણીયર/વીજ. ૮.નોળિયો ૯. નીલગાય/રોજ, ૧૦. ચિંકારા, ૧૧.કાળિયાર. ૧૨.જંગલી ભૂંડ, ૧૩.શેળો. ૧૪.સસલું, ૧૫. શાહુડી/શેઢાળી, ૧૬.પાંચ પટ્ટાવાળી ખિસકોલી, ૧૭.વડવગોળ, ૧૮. ચામાચીડિયાનો સમાવેશ થાય છે. જો સાપોની વાત કરીએ તો, જિલ્લામાં ૧. અજગર, ૨. ભાંફોડી/દરગોઈ, 3. આંધળી ચાકળ ૪. બિલ્લી સાપ, ૫. રૂપસુંદરી, ૬. તાંબા પીઠ, ૭. સામાન્ય વરુદંતી, ૮. પટીત વરુદંતી, ૯. સામાન્ય કુકરી, ૧૦. રેખાંકિત કુકરી, ૧૧. ધામણ, ૧૨. ઘઉલો, ૧૩. ડેંડુ, ૧૪. કૃમિ સાપ, ૧૫. કાળોતરો. ૧૬. નાગ, ૧૭. ફુરસો જેવા સાપો જોવા મળે છે.
રાજકોટ જિલ્લામાં આખા વર્ષ દરમિયાન પતરંગો (બી-ઈટર ), પેણ (રોઝી પેલિકન) યાયાવર પક્ષી, જલમંજર (ફેઝેન્ટ ટેઇલ જકાના), કોમન ક્રેન યાયાવર પક્ષી વગેરે જેવા અંદાજે ૨૦૦થી વધારે જાતિના પક્ષીઓ જોવા મળ્યા છે. ઉપરાંત અંદાજે આસપાસ પતંગિયાની ૪૦ જેટલી જાતો જોવા મળે છે. જેમાં પ્લેન ટાઇગર, ગ્રાસ યેલો, કોમન રોઝ, મોટાલ્ડ ઇમિગ્રન્ટ, યેલો પેન્શી, પિકોક પેન્સી વગેરે જેવી જાતોનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિ રાજકોટ જિલ્લાની જૈવવિવિધતાની શોભા સમાન છે.