કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરજીભાઈ ઠુંમરનું અવસાન રાજકીય બૅડામાં શોક ની લાગણી કેન્સરની સારવાર કારગત ન નિવડી, અમરેલીમાં સ્મશાનયાત્રા
કોંગ્રેસના પ્રભાવશાળી નેતા તરીકે તેમણે સ્થાનિક રાજકારણ જિલ્લા પંચાયતથી લઈને દેશની સાંસદ અને વિધાનસભા સુધીની સફર ખેડી મોટા નેતાઓને હરાવ્યા હતા
અમરેલીના રાજકીય ક્ષેત્રમાંથી એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ વીરજીભાઇ ઠુમ્મરનું લાંબી બીમારી (કેન્સર) બાદ અવસાન થયું છે. કેન્સરની બીમારીની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના રાજકીય બેડામાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. સાંજે ૫ વાગ્યે અમરેલીમાં તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં રાજકીય આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વીરજીભાઇ ઠુમ્મરનું નામ અમરેલીની રાજનીતિ સાથે દાયકાઓથી જોડાયેલું રહ્યું છે. કોંગ્રેસના પ્રભાવશાળી નેતા તરીકે તેમણે સ્થાનિક રાજકારણથી લઈને દેશની સંસદ અને ગુજરાત વિધાનસભા સુધીની સફર ખેડી હતી. વર્ષ ૨૦૦૪ તેમની રાજકીય કારકિર્દીનો સૌથી મોટો પડાવ હતો, જ્યારે તેમણે અમરેલી લોકસભા બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને હરાવીને દિલ્હી દરબારમાં પ્રવેશ કર્યો હતો. તેઓ ૨૦૦૪થી ૨૦૦૯ સુધી લોકસભાના સભ્ય તરીકે રહ્યા હતા. લોકસભા બાદ તેમણે વિધાનસભાના રાજકારણમાં પણ ઝંડા કાઢ્યા હતા. વર્ષ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ લાઠી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજયી બન્યા હતા. પીઆરએસ (PRS) ના રેકોર્ડ મુજબ વિધાનસભામાં તેમની હાજરી શાનદાર ૯૧.૫ ટકા રહી હતી અને તેમણે ૧૨૦ જેટલી મહત્વપૂર્ણ ચર્ચાઓમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી. એક સામાન્ય ખેડૂત અને વ્યવસાયિક પૃષ્ઠભૂમિમાંથી આવતા વીરજીભાઇ ઠુમ્મરે જાહેર જીવનમાં જનહિતના મુદ્દાઓને હંમેશા પ્રાધાન્ય આપ્યું હતું. તેમનો રાજકીય વારસો તેમના પરિવાર દ્વારા પણ આગળ ધપાવવામાં આવી રહ્યો છે. તેમની પુત્રી જેની ઠુમ્મર અમરેલીના રાજકારણમાં સક્રિય છે, જેમણે ૨૦૧૫થી ૨૦૧૮ દરમિયાન અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી હતી અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડી હતી. વીરજીભાઇ ઠુમ્મરના નિધન સાથે અમરેલીના રાજકીય ઇતિહાસના એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત આવ્યો છે. જનસેવા અને ખેડૂતોના હકો માટે લડનાર તેમના વ્યક્તિત્વની વાતૉ હંમેશા અમરેલીના રાજકારણમાં અમર રહેશે.વીરજીભાઇ ઠુમ્મરનો જન્મ ૩૧ મે ૧૯૫૯ ના રોજ અમરેલી ખાતે થયો હતો અને તેમના પત્નીનું નામ નીલાબેન છે. તેઓ લાંબા સમયથી ભારતીય રાષ્ટ્રીય સાથે જોડાઈને જનસેવા અને રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવતા આવ્યા હતા. જમીન સાથે જોડાયેલા નેતા તરીકે તેમની છબી હંમેશા લોકોની વચ્ચે રહી હતી. તેમની રાજકીય કારકિર્દી અત્યંત નોંધપાત્ર રહી છે. તેઓ ૨૦૦૪ થી ૨૦૦૯ દરમિયાન અમરેલી લોકસભા મતવિસ્તારમાંથી સંસદ સભ્ય (MP) તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને સંસદમાં લોકપ્રશ્નોને વાચા આપી હતી. આ ઉપરાંત, જનતાના વિશ્વાસ અને સમર્થનથી તેઓ ૨૦૧૭થી ૨૦૨૨ દરમિયાન લાઠી-બાબરા વિધાનસભા બેઠક પરથી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય (MLA) તરીકે પણ ચૂંટાયા હતા